top of page

“મોટિવેશનલ વિદાઈ સમારોહ”થી ધોરણ-8ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • 4 days ago
  • 2 min read

શાળા ક્રમાંક-368, સચીન ખાતે ભાવનાત્મક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો....

પ્રજા પંખ, સચીન :તા. 28/03/2026:-

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળા ક્રમાંક-368, કનકપુર સચીન ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે “મોટિવેશનલ વિદાઈ સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી મહેમાનો, શિક્ષક મંડળ તથા વિદ્યાર્થીવૃંદની હાજરીએ કાર્યક્રમને ઉલ્લાસભર્યો અને યાદગાર બનાવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય પ્રાર્થના રજૂ કરવામાં આવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. ધોરણ-8ના કુલ 46 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું કુમકુમ-અક્ષત જેવા મીઠાં શબ્દોથી સ્વાગત કરીને રાકેશ જોશીએ આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ છેલ્લા આઠ વર્ષના પોતાના શૈક્ષણિક જીવનની યાદોને તાજી કરતા જાતે તૈયાર કરેલ નૃત્ય, એક્શન સોંગ અને પિરામિડ જેવી ભવ્ય રજૂઆતો દ્વારા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા.

વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને ગિફ્ટ આપી તેમના નિષ્ઠાપૂર્વકના શિક્ષણ માટે આભાર વ્યક્ત કર્યો હતો. શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને કાયમી સ્મૃતિરૂપે ગ્રૂપ ફોટો ભેટ આપવામાં આવ્યો હતો, જે આ યાદગાર ક્ષણોને ચિરંજીવ બનાવશે.

વિદાય પ્રસંગે શિક્ષકો અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મોટીવેશનલ પ્રેરણાત્મક માર્ગદર્શન અને આશીર્વાદ આપવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન શાળાની શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રીઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને મહેમાનોના પ્રવચનોમાં આજના સમયમાં મફત પ્રાથમિક શિક્ષણ માટે સુરત શિક્ષણ સમિતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો, સાથે સાથે ઉચ્ચ શિક્ષણના વધતા ખર્ચ અંગે ચિંતાનો સ્વર પણ ઉઠ્યો. આ સંદર્ભમાં સરકારે આવા ગરીબ શ્રમજીવી વિસ્તારના બાળકો માટે દરેક માધ્યમમાં સુવિધાસભર નિશુલ્ક સુમન જેવી હાઈસ્કૂલોની સ્થાપના કરવી જોઈએ તેવો ભાવ વ્યક્ત થયો હતો.

શાળાના આચાર્યશ્રી નિમિષાબેન લીમ્બાચીયાએ પોતાના પ્રવચનમાં શાળાની સિદ્ધિઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપી તથા તમામ શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણવિદ્, ડેવલોપમેન્ટ કમિટી અને રોટરી આર.સી.સી.ના ચેરમેન તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ભાવસાર સહિત અન્ય મહાનુભાવો, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને સભ્યો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર સપ્તરંગી કાર્યક્રમનું સંચાલન સિનિયર શિક્ષક રાકેશ જોશીએ સુંદર રીતે કરીને કાર્યક્રમને જીવંત અને પ્રેરણાત્મક બનાવ્યો હતો.

આ વિદાઈ સમારોહ માત્ર વિદાય ન રહી, પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા અને સંકલ્પનો એક સશક્ત સંદેશ બની રહ્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page