સુરત જિલ્લાની આંગણવાડીના ૩૪,૧૩૮ બાળકોને ગણવેશ અને હાઈજિન કીટનું વિતરણ
- Praja Pankh
- Jun 29, 2021
- 2 min read

આંગણવાડીના નાનકડાં ભૂલકાઓએ સ્વનિર્મિત સર્જનાત્મક કૃતિઓ, ચિત્રો મહાનુભાવોને સ્વહસ્તે અર્પણ કર્યા
સુરત:મંગળવાર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાનો ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે આયોજિત સુરત જિલ્લા કક્ષાના ગણવેશ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલના વરદ્દહસ્તે પ્રતિકરૂપે ૯ તાલુકાના ૯ બાળકોને ગણવેશ અને હાઈજિન કીટ એનાયત કરવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લાની તમામ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના કુલ ૩૪,૧૩૮ બાળકો માટે બે જોડી ગણવેશ સહિત સેનેટાઈઝર બોટલ, માસ્ક, રૂમાલની હાઈજિન કીટથી લાભાન્વિત કરવામાં આવ્યાં છે.
કાર્યક્રમમાં આંગણવાડીના નાનકડાં ભૂલકાઓએ સેટકોમ મારફતે સ્વહસ્તે બનાવેલી સર્જનાત્મક કૃતિઓ, ચિત્રો મહાનુભાવોને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, આંગણવાડી ભૂલકાઓના જીવન-ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. નાનકડાં બાળકોને ગણવેશ અને હાઈજીન કીટ મળવાથી તેમનામાં નવી ઉર્જા અને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળશે. કોરોનાકાળમાં શાળાકીય શિક્ષણ પર વિપરીત અસર પડી છે. શક્ય હોય ત્યાં સુધી વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ પૂરું પાડીને રાજ્ય સરકારે શિક્ષણની યાત્રા અટકે નહીં એની ખાસ કાળજી લીધી છે. સંભવિત કોવિડની ત્રીજી લહેરનો સામનો સાથે મળીને કરીશું તો ખાસ કરીને બાળકોને કોરોનાના કહેરથી બચાવી શકાશે. કોરોના સામે લડવા વેક્સીનથી વધુ અસરકારક હથિયાર બીજું કોઈ નથી. સુરતના ઘણાં આદિવાસી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસી લેવામાં વિમુખતા જોવા મળી હતી, પરંતુ ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોના રસીકરણ થવાથી તેમજ લોકજાગૃતિ અભિયાનના પરિણામે રસીકરણના પ્રમાણમાં વધારો નોંધાયો છે, જે આનંદદાયક છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહિલા અને બાળવિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, રાજયમંત્રી વિભાવરીબેન દવે અને વરિષ્ઠ અધિકારીગણ જોડાયા હતા. ઓનલાઈન કાર્યક્રમમાં કલેક્ટર કચેરીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સુરતના પદાધિકારી-અધિકારીશ્રીઓ જોડાયા હતાં.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ નયનાબેન સોલંકી, ICDS કચેરીના પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન સહિત વિવિધ તાલુકા પંચાયતના અધિકારીઓ, પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Comentarios