top of page

સુરતના સિવિલના તબીબોની સંવેદનાસભર સારવારઃ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 9, 2021
  • 2 min read




નવસારીના સુમિત્રાબહેને નવ દિવસમાં કોરોનાને કર્યો પરાજીત

સુરત:રવિવાર: છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોનાના કહેર વચ્ચે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેઈનમાં યુવાનો, કિશોરોથી લઈને નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે નવસારીના મૂનસાળ ગામના સુમિત્રાબહેનની નવસારીના CHC સેન્ટર ખાતે પ્રસૃતિ થઈ હતી. જેમાં બાળક અને માતા બન્ને કોરોના પોઝીટીવ આવતા વધુ સારવાર માટે તેઓને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર બાદ માતા-બાળકે કોરોનાને પરાજીત કર્યો હતો.

બાળ રોગ વિભાગના હેડ ડો. વિજય શાહે જણાવ્યું કે, તા.૨૮મી એપ્રિલના રોજ નવસારીના અંબાળા CHC સેન્ટર ખાતે સુમિત્રાબેન હળપતિની ડિલીવરી થયાના ત્રણ દિવસ બાદ નવજાત જન્મેલ બાળક અને માતાને તાવ આવતા રિપોર્ટ કરાવ્યો. જે રિપોર્ટ તા.૩૦મી એપ્રિલે પોઝિટિવ આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. બાળકનું ઓક્સિજન લેવલ ૯૦ ટકા સુધી જ મેઈનટેઈન રહેતું હોવાથી તા.૨ મેના રોજ વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ સુરતની સિવિલ દાખલ કરવામાં આવ્યા હતા. અહી બાળકને NICU કોવિડ વોર્ડમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી અને માતા પોઝિટિવ હોવાથી J1 વોર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરી. બાળકની પ્રાથમિક સારવારમાં ઓક્સિજન સપોર્ટ સાથે તમામ ઈન્જેક્શન અને દવા આપવાની સાથે નવજાત બાળક માટે માતાનું ધાવણ જ પહેલી રસી હોય છે એટલે બાળક ઓક્સિજન પર હતું ત્યારે ઈન્ફન્ટ ફિડીંગ ટ્યૂબ દ્વારા માતાનું ધાવણ આપવામાં આવતું. સાત દિવસની સઘન સારવાર મળતા માતા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા તા.૮મી મેના રોજ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના NICU વોર્ડનાં ફરજ બજાવતા ડો. સુજીત ચૌધરીએ જણાવ્યું કે, માતાનું ધાવણ અમૃત સમાન હોય છે. અને તેને નવજાત શિશુનું પહેલું વેક્સિનેશન માનવામાં આવે છે. માતાના ધાવણમાં પ્રોટીન્સ, એન્ટિ ઈન્ફેક્ટિવ તત્વો, એન્ટિ બોડીઝ વગેરે હોય છે જે શિશુને સેપ્ટીસેમીયા, શ્વસનતંત્રને લગતા તથા પાચનતંત્રને લગતા રોગોને અટકાવે છે. સાથે હાલના તબક્કે ચાલી રહેલ કોવિડની મહામારીમાં માતાઓએ પોતાના નવજાત શિશુને ધાવણ અચૂક આપવું જોઈએ. કોવિડ સંક્રમિત માતાઓ પણ ડબલ માસ્ક પહેરીને હાથોને જંતુમુકત રાખવા જેવી સાવચેતી રાખીને પોતાના નવજાતને સ્તનપાન કરાવી શકે છે. જેનાથી બાળકની ઈમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

વિભાગીય વડા અને પ્રોફેસર ડો.વિજય શાહના માર્ગદર્શન હેઠળ પિડીયાટ્રિક વિભાગના એસો.પ્રોફેસર ડો.પન્નાબેન બલસારા અને આસિ.પ્રોફેસર ડો. સુજીત ચૌધરી, ડો. અપૂર્વ શાહ, ડો. ભૂમિ, ડો. રશ્મી, ડો. ચાર્મી, ડો. આશા, ડો. રક્ષા અને ડો. શેલેન્દ્ર સહિતની તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા સતત મોનિટરીંગથી નવજાત જન્મેલ બાળક અને તેની માતાને કોવિડ પોઝિટિવથી સાજા કરી માતા અને નવજાત શિશુને હસતું રમતું ડિસ્ચાર્જ કરી પરિવારના મુખ પર હાસ્ય રેલાવ્યું છે.

આમ,કોરોનાની મહામારીના કઠિન સમયમાં પણ સતત ફરજ નિભાવી રહેલા સિવિલના તબીબોએ ફરી એકવાર નવજાત બાળક અને માતાને નવ દિવસની સારવારમાં જ સ્વસ્થ કરી નવજીવન આપ્યું છે.

--૦૦--

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page