સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં શબ્દપુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી...
- Praja Pankh
- Dec 21, 2022
- 1 min read

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની છે, આપણે તેનાં દર્શન કરીએ છીએ; સાથે સાથે સરદારની વિરાટ પ્રતિભાનાં દર્શન કરવાની પણ જરૂર છે. – રાજેશ ધામેલિયા
પ્રજાપંખ સુરત:- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ - સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272, નાના વરાછામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ સરદાર સાહેબને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શબ્દપુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે શાળાના શિક્ષિકા શ્રીમતી રેખાબહેને ભક્તિ ગીત રજૂ કર્યું હતું. શિક્ષક શ્રી રાજેશ ધામેલિયાએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગો વર્ણવતાં જણાવ્યું હતું કે, “આજે સમગ્ર વિશ્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સૌથી ઊંચી છે. આપણે તેની ઊંચી પ્રતિમાનાં દર્શન કરીએ છીએ, પણ તેમની વિરાટ પ્રતિભાનાં દર્શન કરવાની પણ જરૂર છે. ભારત દેશ આઝાદ થઈ ગયા પછી દેશી રાજ્યોનું વિલીનીકરણ કરવું એ વિકટ કાર્ય હતું. સરદાર વલ્લભભાઈની નીડરતા, અપ્રતિમ રાષ્ટ્રપ્રેમ, કોઠાસૂઝ વગેરે અનેક ગુણોને કારણે જ આ કાર્ય થઈ શક્યું. વલ્લભભાઈ બાળપણથી જ ખૂબ નીડર હતા. ગાંધીજીની પ્રેરણાથી તેમણે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી. આ સત્યાગ્રહની સફળતા પછી લોકોએ એમને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું. સરદાર સાહેબનાં અદ્ભુત કાર્યોથી આપણે પરિચિત થવું જોઈએ.”
આ કાર્યક્રમ યોજવા શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિનું માર્ગદર્શન મળ્યું હતું. શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં.
Comments