શિક્ષણ ખાતાના નિવૃત્ત કર્મચારીઓનો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો.
- Praja Pankh
- Nov 29, 2023
- 1 min read


ગાંધી નગર : શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોના મંડળ, ગાંધીનગરના ઉપક્રમે શિક્ષણ ખાતાના નિવૃત્ત કર્મચારીઓનો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ ઉમિયા સમાજ ભવન, સે.૧૨,ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં ગાંધીનગર તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી શિક્ષણ ખાતાના નિવૃત્ત થયેલા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ શ્રી આર.સી.રાવલ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી માધુભાઈ પટેલ, પૂર્વ નિયામક, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર, શ્રી જી.એમ.રબારી, પૂર્વ સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અને શ્રી રઘુસિંહ ગોલ,પૂર્વ જિલ્લા શિક્ષણ અઘિકારી તથા કે.કે.પટેલ હાઈસ્કૂલ, કોલવડાના આચાર્યા શ્રીમતી ભાવનાબા વાઘેલા ઉપસ્થિત હતા. તેમજ શિક્ષણ ખાતાના વર્ગ -૩ ના મંડળના હોદ્દેદારો તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક વ્યક્તવ્ય રજૂ કરવામાં આવેલ હતા. આ પ્રસંગે ૮૦ વર્ષ કે વધુ વય ધરાવતા પેન્શનરોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અન્ય આમંત્રિત મહેમાનોનું પણ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતું.આ કાર્યક્રમ તથા ભોજનના દાતાશ્રી જે.બી.પટેલ તથા શ્રી આઈ.કે.પટેલ પ્રમુખ શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરનું મંડળનું પણ શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં શ્રી શ્રવણકુમાર પરમાર તથા શ્રી ભરતભાઈ વાણિયા દ્વારા ફિલ્મી ગીતો રજૂ કરી સમગ્ર કાર્યક્રમને સંગીતમય બનાવી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે પેન્શનર મિત્રો તથા અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા આગામી સ્નેહ મિલન સમારોહના ખર્ચ પેટે ઉદાર હાથે ફાળો આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અમૃતલાલ સુથાર અને શ્રી રમેશભાઈ જોશી કરવામાં આવ્યું હતું.આભારવિધિ શ્રી એ.ડી.સુથારે કરી હતી. આમ પેન્શનરો દ્વારા, પેન્શનરો માટે , પેન્શનરો થકી સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
コメント