top of page

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ભાગ લીધો..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 16, 2023
  • 3 min read


કેમ્બ્રિજ, 16મી ઓગસ્ટ- બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા અને આ આધ્યાત્મિક કાર્યક્રમની શોભા વધારી હતી.

આ એક અત્યંત મહત્વની ક્ષણ હતી કારણ કે, પૂજ્ય મોરારી બાપૂની 921મી કથા હતી, જે માનસ વિશ્વવિદ્યાલયના નામથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાઈ રહી છે. આ સૌ પ્રથમ એવો હિન્દુ કાર્યક્રમ છે કે જે એક બ્રિટીશ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાઈ રહ્યો છે.

હિન્દુ ધર્મના અનુયાયી તથા બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન શ્રી ઋષી સુનાકે પૂજ્ય મોરારી બાપુની વ્યાસપીઠ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી તથા આ સાથે જ ''જય સિયા રામ"નો જયકાર પણ કર્યો હતો.

પોતાના ભાષણની શરૂઆત કરતા, પ્રધાનમંત્રી ઋષિ સુનકે કહ્યું, "ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂજ્ય મોરારી બાપુની રામ કથામાં આજે ઉપસ્થિત થવું તે હકીકતમાં સન્માન અને ખુશીની વાત છે. બાપુ, હું આજે અહીં એક વડા પ્રધાન તરીકે નહીં પણ એક હિંદુ તરીકે આવ્યો છું. મારા માટે આસ્થા વ્યક્તિગત વિષય છે. આ મારા જીવનની દરેક ક્ષણમાં અને બાબતમાં મારું માર્ગદર્શન કરે છે. વડા પ્રધાન બનવું તે એક મોટુ સન્માન છે. અલબત આ કોઈ સરળ કામ નથી. અમારે ખૂબ જ કઠોર નિર્ણય લેવાના હોય છે અને મુશ્કેલ વિકલ્પોની પસંદગી કરવી પડે છે, પણ આસ્થા મને અમારા દેશ માટે માટે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવા મને સાહસ અને શક્તિ પ્રદાન કરે છે"

તેમણે કહ્યું કે મારા માટે, જ્યારે હું ચાન્સેલર હતો ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દિવાળી પ્રસંગે દિપ પ્રાગટ્ય એક અદભૂત અને વિશેષણ ક્ષણ હતી.

વ્યાસપીઠની પાઠળ હનુમાનજીની તસવીર અંગે તેમણે કહ્યું કે "જેવા બાપુની પૃષ્ઠભૂમિમાં એક સુનહરે હનુમાનજી છે, મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારા મેજ પર એક સુનહરે ગણેશ હંમેશા પ્રસન્નતાપૂર્વક બિરાજમાન રહે છે. કોઈ પણ મુદ્દા પર કામગીરી કરતા પહેલા તે અંગે યોગ્ય વિચાર કરવા અંગે તેઓ મને હંમેશા યાદ અપાવે છે"

ઋષિ સુનકે કહ્યું કે તેમને બ્રિટિશ હોવા અંગે ગર્વ છે અને હિંદુ હોવા અંગે પણ ગર્વ છે. તેમણે સાઉથમ્પટનમાં તેમના બાળપણના દિવસોને યાદ કરતા કહ્યું કે તેઓ તેમના ભાઈ-બહેનો સાથે મંદિરમાં જતા હતા અને તેમના પરિવારના સભ્યો સાથે હવન, પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ જેવી ધાર્મિક વિધિમાં ભાગ લેતા હતા.

“આપણા મૂલ્યો અને હું બાપુને તેમના જીવનના દરેક દિવસે આચરતા જોઉં છું, તેઓ નિઃસ્વાર્થ સેવા, ભક્તિ અને શ્રદ્ધાના મૂલ્યો છે. અલબત કદાચ સૌથી મહત્વપૂર્ણ મૂલ્ય ફરજ અથવા સેવા છે, જે અંગે આપણે વાકેફ છીએ. આ હિંદુ મૂલ્યો મોટાભાગે બ્રિટિશ મૂલ્યો સાથે વહેંચાયેલા છે."

“હું આજે અહીંથી એ રામાયણને યાદ કરી રહ્યો છું કે જે અંગે બાપુ બોલે છે, આ સાથે જ ભગવદ ગીતા અને હનુમાન ચાલીસાને પણ યાદ કરીને વિદાય લઈ રહ્યો છું. અને મારા માટે, ભગવાન રામ હંમેશા જીવનના પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવા, વિનમ્રતા સાથે શાસન કરવા અને નિઃસ્વાર્થપણે કામ કરવા માટે પ્રેરણારૂપ રહેશે,"તેમ ઋષિ સુનકે વધુમાં કહ્યું હતું.

તેમણે કહ્યું, “બાપુ, તમારા આશીર્વાદથી, હું એવી રીતે નેતૃત્વ કરવાની ઈચ્છા ધરાવુ છું કે જે રીતે આપણા પ્રાચીન શાસ્ત્રોએ આપણને શીખવ્યું . તમે જે પણ કરો છો તેના માટે બાપુ તમારો આભાર. સત્ય, પ્રેમ અને કરુણાની તમારી શિક્ષા હવે અગાઉ કરતા વધુ સુસંગત છે."

અંતમાં, વડા પ્રધાન ઋષિ સુનકે 12,000 કિલોમીટરથી વધુની તાજેતરમાં સમાપ્ત થયેલી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાને ટાંકીને પૂજ્ય શ્રી મોરારી બાપુના પ્રેરણાદાયી કાર્ય અને અપાર ભક્તિની પણ પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમણે સ્ટેજ પર આરતીમાં ભાગ પણ લીધો હતો.

બ્રિટિશ વડા પ્રધાનનું સ્વાગત કરતાં પૂજ્ય મોરારી બાપુએ તેમના માટે ભગવાન હનુમાનને પ્રાર્થના કરી અને તેઓ બ્રિટનના લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે એવી પણ પ્રાર્થના કરી કે બ્રિટનના સૌ નાગરિક વડાપ્રધાન ઋષિ સુનકના દૂરંદેશી નેતૃત્વનો ઉત્તમ રીતે લાભ ઉઠાવે.

કથાની શરૂઆતમાં પૂજ્ય શ્રી મોરારી બાપુએ વડા પ્રધાન ઋષિ સુનકની ફક્ત રાષ્ટ્રના વડા તરીકે જ નહીં પણ ભારતીય મૂળની વ્યક્તિ તરીકે પ્રશંસા કરી હતી. પૂજ્ય બાપુએ એવી માહિતી પણ શેર કરતા કર્યું કે ઋષિ સુનકનું નામ ઋષિ શૌનક પરથી પડ્યું છે. આદરણીય ઋષિ સાથેનું આ જોડાણ ભારતીયોના હૃદયને સ્પર્શે છે અને વડા પ્રધાનના પદ પર આવા મૂળ ધરાવતા નેતાને જોવા તે ખૂબ આનંદદાયક છે.

પૂજ્ય મોરારી બાપુએ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા 50-100 સ્વયંસેવકોને પ્રસાદ તરીકે ભોજન આપવાની ઓફર કરી તે બદલ

ઋષિ સુનકની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે આ ભારતીય પરંપરા સાથેના તેમના જોડાણને પ્રતિબિંબિત કરે છે. પૂજ્ય બાપુએ સ્વીકાર્યું કે વડા પ્રધાન ઋષિ સુનકે સામાન્ય રીતે ભેટ સ્વીકારતા નથી, પરંતુ પ્રતીકાત્મક રીતે તેમને સોમનાથ જેવા એક પવિત્ર શિવલિંગ, જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાના પ્રસાદ તરીકે ભેંટ કરવામાં આવ્યા

કથા અગાઉ સવારે, પૂજ્ય મોરારી બાપુએ ભારતની આઝાદીના 77 વર્ષ નિમિત્તે અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો.

પૂજ્ય મોરારી બાપુની કથા 12 ઓગસ્ટના રોજ 41મી માસ્ટર અને વર્ષ 1496માં સ્થપાયા બાદ તેનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા સોનીતા એલેન OBE અને હાઉસ ઓફ લોર્ડ્સમાં એક પ્રતિષ્ઠિત કન્ઝર્વેટિવ લોર્ડ ડોલર પોપટ દ્વારા સ્વાગત સાથે શરૂ થઈ હતી.


 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page