top of page

‘બિગ બી’ના સુરતી ચાહકે કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજીને અમિતાભના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 12, 2021
  • 1 min read

આગામી ૩૦ ઓક્ટો.ના રોજ મુંબઈમાં 'કૌન બનેગા કરોડપતિ' કાર્યક્રમમાં પ્રેક્ષકગણમાં બેસવાનું આમંત્રણ મળ્યું છે: દિનેશ ભાટી


સુરતઃતા.11,સોમવાર: તા.૧૧ મી ઓક્ટોબર એટલે બોલીવુડના એન્ગ્રી યંગમેન અમિતાભ બચ્ચનનો જન્મદિવસ. આ દિવસે દેશવિદેશમાં વસતા ‘બિગ બી’ના લાખો ચાહકોએ પણ અમિતાભ બચ્ચનનો જન્મદિન ધામધૂમથી પોતપોતાની રીતે ઉજવ્યો હતો. સુરતમાં રહેતા અને વર્ષોથી અમિતાભ બચ્ચનના ફેન એવા દિનેશ મૂલચંદજી ભાટી દર વર્ષે કેક અને મીઠાઈ વહેંચી પોતાના મિત્રો અને પરિવાર સાથે ‘બિગ બી’નો જન્મદિન ઉત્સાહપૂર્વક ઉજવે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે તેમણે આ વર્ષે હવાડિયા ચકલા, નાના અંબાજી મંદિર રોડ પર પોતાની ઓફિસની બિલ્ડીંગ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજીને બિગ બીના ૭૯મા જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. સુરત મહાનગરપાલિકાના સહયોગથી આયોજિત નિઃશુલ્ક રસીકરણ કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રસી મૂકાવી હતી.

અમિતાભના ‘ડાઈ હાર્ડ’ ફેન દિનેશ ભાટી મૂળ રાજસ્થાનના વતની છે, અને હાલ સુરતમાં જ્વેલરીનો વ્યવસાય કરે છે. તેઓનો ચહેરો પણ અમિતાભથી મળતો આવે છે. હેર સ્ટાઈલ પણ બિગ બી જેવી જ રાખે છે. બચ્ચનની એક પણ ફિલ્મ જોવાનું ચૂકતા નથી.

તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમિતાભના ચાહકો સોશ્યલ મીડિયામાં મેસેજ શેર કરી, કેક કાપી તેમના જન્મદિનની ઉજવણી કરતાં હોય છે, જ્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે મેં કઈંક અલગ કરવાનું વિચાર્યું. લોકોને ઉપયોગી થઈ શકાય, ઉપરાંત સેવાનો આનંદ પણ મળે અને દેશને કોરોનામુક્ત કરવામાં યોગદાન પણ આપી શકાય એ હેતુથી અમે કોવિશિલ્ડ વેક્સીન કેમ્પ રાખ્યો હતો. જેમાં લોકોએ પણ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો. કેમ્પ યોજવામાં પાલિકાના આરોગ્ય વિભાગ અને મિત્રવર્તુળનો સાથ મળતાં વિનામૂલ્યે રસીકરણ કરવાનું આયોજન કર્યું હતું. મારા વિશે જાણ થતાં આગામી ૩૦ ઓક્ટો.ના રોજ મુંબઈમાં 'કૌન બનેગા કરોડપતિ'ની હાલની સિઝનમાં પ્રેક્ષકગણમાં બેસવાનું આમંત્રણ મળ્યું છે. જેમાં અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળશે એમ તેમણે કહ્યું હતું.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page