ગણેશજીની ભાવવંદનાનું પર્વ ગણેશ ચતુર્થી
- Praja Pankh
- Aug 24, 2022
- 2 min read
વિઘ્નહર્તા ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ

પીઓપીની મૂર્તિઓના સ્થાને માટીની મૂર્તિના ઉપયોગથી પર્યાવરણ રક્ષણ સહિત અનેકવિધ લાભો છે
પ્રજાપંખ સુરત : આગામી તા.૩૧ ઓગસ્ટ-ગણેશ ચતુર્થીના પર્વને ઉજવવા રાજ્યના તમામ વિસ્તારોમાં ગણેશભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. પ્રતિ વર્ષ સુરત જિલ્લામાં ચોમેર ગણેશ સ્થાપન ઉમંગ, ભક્તિભાવથી કરવામાં આવે છે, ત્યારે વિઘ્નહર્તા ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થકી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું એ આપણી ફરજ છે.
સુરત શહેર-જિલ્લામાં ગણેશ મંડળો ગણેશજીની સામૂહિક સ્થાપના અને ઉજવણી સાથે ગણેશ વંદના કરતા હોય છે. આબાલ વૃદ્ધ સૌ ગણેશ ભક્તો આ ઉત્સવમાં સામેલ થવા ઉત્સાહી છે, ત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું અનેરૂ મહત્વ આપણે સૌએ જાણવું જરૂરી છે અને આ પ્રકારની મૂર્તિઓની વધુમાં વધુ સ્થાપના થાય એ માટે જાગૃત્ત બનીએ.
ઇકો ફ્રેન્ડલી મૂર્તિ શા માટે લાભદાયી છે?
પીઓપીની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પાણીમાં ઝડપભેર ઓગળી જાય છે.
આ મૂર્તિઓને તડકામાં સૂકવવામાં આવતા તેમાં તિરાડ પડતી નથી.
તે પર્યાવરણને નુકસાન કરતી નથી પરંતુ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપે છે.
ઈકો ફ્રેન્ડલી ગણપતિને સુંદર બનાવવા માટે કાચા અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ન તો પાણી દૂષિત થાય છે કે ન તો કોઈ બીમારી ફેલાવાનો ભય રહે છે.
'પૂરાણોમાં ઉલ્લેખ છે કે, દેવી પાર્વતીએ પુત્રને માથે હાથ ફેરવવાની ઇચ્છાથી ભગવાન ગણેશજીનો પુતળિયો બનાવ્યો હતો. આ સિવાય શિવ મહાપુરાણમાં અન્ય કોઈ સામગ્રીની મૂર્તિને નહીં પરંતુ રેતીની મૂર્તિને મહત્વ આપવામાં આવ્યું છે.
વિષ્ણુધર્મોત્તર પુરાણ મુજબ ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ દૂર થશે.
પીઓપી અને પ્લાસ્ટિકની મૂર્તિઓમાં હાનિકારક કેમિકલયુક્ત રંગો વપરાય છે. જે આપણા આરોગ્ય માટે હાનિકારક હોવાની સાથે પર્યાવરણને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. જ્યારે પીઓપીમાંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવાથી પાણી દુષિત થવા સાથે તેની ગુણવત્તા પણ ઓછી થાય છે.
મૂર્તિઓના રાસાયણિક રંગોથી કૃષિ પાકને હાનિ થાય છે. દૂષિત પાણીથી ઉગાડેલા શાકભાજીમાં રહેલા હાનિકારક તત્વો સમગ્ર પરિવારના આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે.
Comments