કમિશનર, સુરત મહાનગરપાલિકાને યુનિફોર્મ બાબતે આવેદન અપાયું ..
- Praja Pankh
- Jul 26, 2022
- 3 min read
સાત દિવસમાં નોંધ દફતરે નહિ થાય તો વર્ગ ચાર ધરણા કરશે...

પ્રજાપંખ :- સુરત શહેરના રહીશો તેમજ શહેર બહારના વિસ્તારના મોટા ભાગનાં લોકો માટે સ્મીમેર હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. આ હોસ્પિટલનો લાભ લોકો ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ ઇન્ડોર અને આઉટડોર દર્દીઓ લાભ લેતા હોય છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે વોર્ડબોય, આયા અને સફાઈ કામદાર જેવા ચોથા વર્ગમાં ફરજ બજાવતા કામદારો સતત ૨૪ કલાક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેમજ તમામ દર્દીઓને હરહંમેશ સહાયરૂપ પણ થાય છે. જેનાથી સુરત મહાનગરપાલિકાની છબી જનતામાં ઉજળી દેખાય છે.
પરંતુ કોણ જણે કેમ સ્મીમેર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓથી માંડીને વર્ગ-૩ સુધીના અધિકારી કર્મચારીઓ વર્ગ-૪ ને કોઈને કોઈ રીતે હેરાન-પરેશાન કરવામાં જ રસ ધરાવે છે. સ્મીમેર હોસ્પિટલના સીનીયર આર.એમ.ઓ. ધ્વારા તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ હોસ્પિટલ ખાતે વોર્ડબોય, આયા, સફાઈ કામદાર તથા તાલીમાર્થી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ૨૦ જેટલા કામદારોને નોંધ આપવામાં આવેલ છે, જેમાં તા.૨૦/૦૭/૨૦૨૨ ના રોજ ઈ.ચા. મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રીના રાઉન્ડ દરમ્યાન સુરત મહાનગરપાલિકા ધ્વારા ફાળવવામાં આવેલ યુનિફોર્મ ન પહેરેલ હોવાનું જણાવી, દિન-૦૨ માં લેખિત ખુલાસો રજુ કરવા માટે જણાવેલ છે. જયારે આનાથી વિપરિત સુરત શહેરના અખબારોમાં પ્રસિધ્ધ થયેલ સમાચાર મુજબ હોસ્પિટલ સમિતિના અધ્યક્ષશ્રીએ હોસ્પિટલનો રાઉન્ડ લીધો હતો. જેમાં વર્ગ-૪ના કર્મચારીઓએ યુનિફોર્મ પહેરેલ ન હોવાથી ૨૦ જેટલા કર્મચારીઓને નોટીસ ફટકારી હોવાનું જણાવવામાં આવેલ. તો આ બે બાબતમાંથી સાચુ કોણ ? ઈ.ચા. મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ કે હોસ્પિટલ સમિતિના અધ્યક્ષના રાઉન્ડ માટે આ નોંધ આપેલ છે? વધુમાં જણાવવાનું કે, આ નોંધ આપનાર સીનીયર આર.એમ.ઓ. પોતે જ યુનિફોર્મ પહેરતા નથી. યુનિફોર્મ અંગે અમોએ એક આર.ટી.આઈ. કરેલ હતી. જેમાં જાહેર માહિતી અધિકારી સ્મીમેર હોસ્પિટલ ધ્વારા તા.૨૩/૬/નાં રોજ મુદ્દા ૧૬ માં જણાવવામાં આવ્યુ હતુ કે, સીનીયર આર.એમ.ઓ.ને એપ્રન આપવામાં આવે છે. જયારે એ જ આર.ટી.આઇ. ના જવાબમાં જાહેર માહિતી અધિકારી મસ્કતી હોસ્પિટલ ધ્વારા તા. ૧૨/૦૭/૨૨ નાં રોજ મુદ્દા નંબર ૧૫ માં જણાવવામાં આવેલ કે, સીનીયર આર.એમ.ઓ.ને યુનિફોર્મ આપવામાં આવે છે અને તેઓ યુનિફોર્મ પહેરે છે. તો એક જ સંસ્થામાં અલગ-અલગ નિયમો કેવી રીતે ચાલે છે ? સ્મીમેર હોસ્પિટલના સીની. આર.એમ.ઓ., આર.એમ.ઓ. અને ડોક્ટરો યુનિફોર્મ પહેરતા નથી તો તેઓ સામે આજદિન સુધી કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. તે તપાસનો વિષય છે. તો બીજી તરફ આ રાઉન્ડ દરમ્યાન અધિકારીઓને માત્ર ચોથા વર્ગના કર્મચારીઓ જ નજરે પડયા હતા. જયારે વર્ગ ૨૩ ના અનેક કર્મચારીઓ ફરજ પર હતા. તો તેમાથી એક પણ કર્મચારી આ અધિકારીને યુનિર્ફોમ વગર દેખાયા જ નહી ? કે રાઉન્ડ લેનાર અધિકારીઓ ધ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા ? આમાં પણ કેટલાક કામદારો તાલીમાર્થી તરીકે ફરજ બજાવે છે. જેઓને સુરત મહાનગરપાલિકા ધ્વારા યુનિફોર્મ આપવામાં આવેલ નથી. તો તેઓ કઈ રીતે યુનિફોર્મ પહેરી શકે ? શું આ નોંધ આપનાર સીની. આર.એમ.ઓ.ને આ બાબતની જાણકારી નથી ? તો પછી આ અધિકારી હોસ્પિટલનો વહીવટ કેવો ચલાવતા હશે ? તે પણ એક તપાસનો વિષય છે. અમારા યુનિયન દ્વ્રારા આપશ્રીને તા. ૨૪-૦૬-2022 ના રોજ એક લેખિત ફરિયાદ આ સીની. આર.એમ.ઓ.ની વિરૂધ્ધમાં કરવામાં આવેલ હતી. જે અંગે આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. વર્ગ–૪ના કામદારોને બીજે જ દિવસે નોંધ નોટીસ આપવામાં આવે છે. જયારે આ અધિકારીની ફરિયાદમાં એક માસ વીતી ગયા હોવા છતા, આજદિન સુધી કેમ પગલા લેવામાં આવ્યા નથી.
સ્મીમેર હોસ્પિટલ ખાતે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આજ ચોથા વર્ગના કામદાર ભાઈ બહેનો કોરોના કાળ માં પોતાના જીવના જોખમે રત દિવસ ફરજ બજાવેલ છે. તેની કદર કરવાને બદલે આ રીતે શિરપાવ આપવામાં આવે છે? આથી આ આવેદન પત્ર આપી આપને અપીલ કરીએ છીએ કે, સિનિયર આર એમ ઓ તરફથી તા. ૨૧/૦૬/૨૦૨૨ નાં રોજ જે નોંધ આપવામાં આવેલ છે તે દિન ૭ માં દફતરે કરવા વિનંતી છે. તેમજ ભવિષ્યમાં વર્ગ ચાર નાં કામદારોને આ રીતે ખોટી હેરાનગતિ n કરવામાં આવે તેવી સંબંધિત અધિકારીઓને સૂચના આપવા વિનંતી છે અન્યથા અમે ધરણા પર ઉતરીશું એવું આવેદન પત્રમાં જણાવ્યું છે.
Comentários