ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાતમી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ (સારસ્વત કપ-૨૦૨૧)નું આયોજન
- Praja Pankh
- Feb 1, 2021
- 2 min read

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાતમી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ (સારસ્વત કપ-૨૦૨૧)નું આયોજન અત્રેના તેના ગામના ક્રિકેટ ગાઉન્ડ ઉપર કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ કુલ ચાર ઝોનમાં રમાડવામાં આવી હતી. જેમાં ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધાની શરૂઆત કોરોના વોરિયર્સ તરીકે શહીદ થયેલા સદ્દગતોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. પિંજરતના સી.આર.સી.કો-ઓર્ડીનેટર પરેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક સ્વાગત દ્વારા આવકાર્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ઓલપાડના બી.આર.સી. કૉ-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા હોદ્દેદારો, સ્થાનિક ગામના સરપંચ જયેશભાઈ પટેલ, ઉપરાંત ગામના દર્શકમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેના પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક શાંતિલાલ પટેલે મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ કીમ ઝોનની ટીમ અને બીઆરસી ભવન ઝોનની ટીમ વચ્ચે રમાઇ હતી, જેમાં કીમ ઝોનની ટીમનો બે વિકેટે વિજય થયો હતો જ્યારે બીજી સેમીફાઈનલ કુદિયાણા ઝોનની ટીમ અને સાયણ ઝોનની ટીમ વચ્ચે રમાઇ હતી, જેમાં સાયણ ઝોનની ટીમે ૭ વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં કીમ ઝોનની ટીમ અને સાયણ ઝોનની ટીમ ટકરાઈ હતી, જે અતિ રોમાંચક બની હતી. જેમાં કીમ ઝોનની ટીમ સાયણ ઝોનની ટીમને ૨૨ રને હરાવી ચેમ્પિયન બની હતી. જ્યારે સાયણની ઝોનની ટીમ રનર્સઅપ રહી હતી. આ ટુર્નામેન્ટમા “મેન ઓફ ધ સીરીઝ” પરેશ પટેલ (પ્રાથમિક શાળા,વડોલી), “બેસ્ટ બોલર” યોગેશ ચૌધરી (પ્રાથમિક શાળા,અસ્નાબાદ) જ્યારે ફાઇનલ મેચમાં “મેન ઓફ ધ મેચ” ચિંતન પટેલ (પ્રાથમિક શાળા,એરથાણ) ઘોષિત થયા હતા. તમામને ટ્રોફીઓ ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
અંતમાં કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે આવા આયોજન થકી શિક્ષકોમાં નવી સ્ફૂર્તિ આવશે, તેઓ એકબીજાની નજીક આવશે, તેમનામાં નિષ્પન્ન થયેલ કૌશલ્ય અને સદ્દગુણો બાળકોને નવી પ્રેરણા પૂરી પાડશે. સંપ, નિખાલસતા, ભાતૃભાવ, હકારાત્મકતા, ખેલદિલી જેવા ગુણોથી દરેક શિક્ષક સક્ષમ બનશે, જેના થકી આપણું સંગઠન વધુને વધુ મજબૂત બનશે. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે કિરીટભાઈની વાતને અનુમોદન આપતા જણાવ્યું હતું કે સંગઠનમાં અજોડ શક્તિ છે, જેને બાળકોના હિતમાં બરકરાર રાખવાની જવાબદારી આપણા સૌની છે.
સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા કન્વીનર હર્ષદ ચૌહાણ (સી.આર.સી. મુળદ) તથા વિજય પટેલ (સી.આર.સી. કરંજ), શાંતિલાલ પટેલ (મુખ્યશિક્ષક,તેના પ્રા.શાળા), પરેશ પટેલ (સી.આર.સી. પિંજરત) તથા સ્થાનિક યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.
Comments