top of page

આધુનિક ટેકનોલોજીથી કૃત્રિમ હાથ બેસાડવામાં આવે તો ...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 24, 2021
  • 2 min read


આધુનિક કૃત્રિમ હાથ મળતા ૮૫ દિવ્યાંગ ભાઈબહેનોના ચહેરા પર સ્મિત રેલાયું




સુરત તાપી રોટરી કલબ દ્વારા સચિન ખાતે દિવ્યાંગજનોને નિ:શુલ્ક કૃત્રિમ હાથ અપાયા

આધુનિક ટેકનોલોજીથી કૃત્રિમ હાથ બેસાડવામાં આવે તો દિવ્યાંગ વ્યક્તિ પહેલાની જેમ રોજિંદુ કામ કરી શકે છે: ક્લબ પ્રેસિડેન્ટ નેહલબેન શાહ



સુરત પ્રજાપંખ: હાથ-પગ વગરના જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ હોય છે, હાથપગ ગુમાવનાર વ્યક્તિ જ અનુભવી શકે કે હાથપગ વિનાની જિંદગી કેવી સંઘર્ષમય હોય છે, ત્યારે જન્મજાત શરીરમાં ખોડખાંપણ હોય, અકસ્માત તેમજ ગંભીર બીમારીના કારણે હાથ-પગ ગુમાવવા પડ્યાં હોય એવા દિવ્યાંગજનો માટે સુરત તાપી રોટરી કલબ, જામનગર રોટરી અને એલેન મેડોઝ પ્રોસ્થેટિક હેન્ડ ફાઉન્ડેશન (USA)ના સંયુક્ત ઉપક્રમે સચિનમાં AtoZ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક કૃત્રિમ હાથ લગાડવાનો કેમ્પ યોજાયો હતો. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોના ૮૫ દિવ્યાંગોને વિનામૂલ્યે એલ.એન.-4 કૃત્રિમ હાથ ફિટ કરી આપવામાં આવ્યા હતા. આ હાથ મળવાથી દિવ્યાંગોના જીવનમાં નવી ઊર્જા અને આશાનો સંચાર થયો હતો, અને તેઓના મુખ પર સંતોષનું સ્મિત રેલાયું હતું. તેમને કૃત્રિમ હાથના ઉપયોગની પ્રેક્ટીકલ સમજ પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે રોટરી કલબ ઓફ સુરત તાપી ના પ્રેસિડેન્ટ નેહલબેન શાહે જણાવ્યું હતું કે, કૃત્રિમ હાથ મળવાથી અનેક દિવ્યાંગ ભાઈબહેનોના ચેહરા પર નવી ચમક જોવા મળતા અમે પણ ખુશ છીએ. હાથ ન હોય એવા દિવ્યાંગો પર આધુનિક ટેકનોલોજીથી કૃત્રિમ હાથ બેસાડવામાં આવે તો એ વ્યક્તિ પહેલાની જેમ રોજિંદુ કામ કરી શકે છે. હાથ લગાવ્યા બાદ હવે વ્યક્તિ ડ્રોઈંગ કરી શકશે, મોબાઈલ ચલાવવો, કોમ્યુટર વર્ક, ખેતીકામ, રોટલી બનાવી શકશે, ચમચી પકડી જમવું, લખવું, મગ કે કપ પકડી પીણું પીવું, ખજવાળવું, માથું ઓળવું જેવી ક્રિયાઓ સરળતાથી કરી શકશે. ઉપરાંત, સાયકલ ચલાવી શકે છે. શાક સુધારી શકે છે. બ્રશ કરી શકે છે.

નેહલબેને વધુમાં કહ્યું કે, આ કેમ્પમાં સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી 128 ઉપરાંત રજિસ્ટ્રેશન થયા હતા, જેમાંથી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, યુ.પી. અને બિહારથી આવેલા કુલ 85 વ્યક્તિઓને રૂ.15,000/- ની કિંમતના એલ.એન.-4 કૃત્રિમ હાથ તદ્દન નિ:શુલ્ક લગાડી આપ્યા છે.

આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, નગર સેવકો અને લાભાર્થી દિવ્યાંગો ઉપસ્થિત રહ્યાં હતાં.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page